Archive

Posts Tagged ‘Befaam’

થાય સરખામણી તો..

એપ્રિલ 23, 2007 Leave a comment

થાય સરખામણી તો ઊતરતા છીએ,
તે છતાં આબરુને દીપાવી દીધી,
એમના મહેલ ને રોશની આપવા
ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધાર છે આખી અવની ઉપર,
તો જરા દોષ એમાં અમારોય છે..
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.

બીક એક જ બધાને હતી કે અમે
ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર,
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી,
કોઈએ જાળ રસ્તે બિછાવી દીધી.

કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા
પણ ઊભા રહી અમે ના કોઈ ને નડ્યા,
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે,
વાટ કિંતુ બીજાને બતાવી દીધી.

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જિંદગીમાં અસર એક તન્હાઇની?
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો’,
એને આખી કહાણી સુણાવી દીધી.

દિલ જવા તો દીધું કોઈના હાથમાં,
દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ,
સાચવી રાખવાની જે વસ્તુ હતી,
એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી.

જીવતાં જે ભરોસો હતો ઈશ પર,
એ મર્યા બાદ્ ‘બેફામ’ સાચો પડ્યો,
જાત મરી ભલે ને તરાવી નહીં,
લાશ મારી પરંતુ તરાવી દીધી.

– બેફામ