તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?

ઓક્ટોબર 23, 2008 Leave a comment

તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા
આખીય જિંદગી બળ્યા છો ?

તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના
મારગથી કાંટાઓ શોધ્યા
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઇના
તડકાઓ અંગ ઉપર ઓઢ્યા

તમે એકવાર એનામાં ખોવાયા બાદ
કદી પોતાની જાતને જડ્યા છો?

તમે કોઇની આંખ્યુંમાં વીજના કડાકાથી
ખુદમાં વરસાદ થતો જોયો
તમે કોઇના આભને મેઘધનુષ આપવા
પોતાના સૂરજને ખોયો

તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં
માથુ મૂકીને રડ્યા છો ?

Advertisements

ચૂનાવાળો કે ચિત્રકાર?

ઓક્ટોબર 1, 2008 Leave a comment

અચાનક એ બાજુથી જવાનું થયું અને મને યાદ આવ્યું. મેં ગાડી ઊભી રાખી.
બાજુમાં બેઠેલી પત્નીએ પૂછ્યું, ‘કેમ અહીં ગાડી ઊભી રાખી? આવા વિસ્તારમાં?’

‘કનુભાઇનું ઘર આ જ વિસ્તારમાં છે ને? મનમાં થાય છે કે એમને મળતાં જઇએ. ઘણા વખતથી કહેવડાવ્યા કરે છે કે દીકરાને રમાડવા ન આવો તો કંઇ નહીં, પણ એક વાર એને રમતો જોવા તો પધારો!’ મેં કહ્યું અને અમે નીચે ઊતર્યાં.

કાનજીભાઇ અને કમળાબહેન આમ તો મારા દરદી હતાં. સાત-આઠ વરસ પહેલાં નિ:સંતાનપણાની સારવાર માટે પાસે આવ્યાં હતાં. ગરીબ હતાં. કાનજીભાઇ એમનું પૂરું નામ, પણ રોજિંદા વ્યવહારમાં દ્વિઅક્ષરી એટલે કે ‘કનુ’ બની ગયેલું.

‘શું કામ કરો છો?’ મેં પહેલી વાર એ મને મળવા આવ્યા, ત્યારે પૂછેલું.

‘મકાનને ધોળવાનું. ચૂનો લગાડવામાં એવો હાથ બેસી ગયો છે, સાહેબ કે ઓઇલ પેઇન્ટ પણ મેં ધોળેલી દીવાલ આગળ ઝાંખો પડી જાય!’

‘અને કમળાબહેન?’

‘એ પણ મારા કામમાં મદદ કરે છે.’

‘શા માટે આવવું પડયું?’

‘શેર માટીની ખોટ છે, ખોળાનો ખૂંદનાર નથી.’

કનુ અને કમુની વાત જાણીને હું વિચારમાં સરી પડયો. કેવી અજબની સૃષ્ટિ રચી છે જગન્નિયંતાએ! રાજાને વારસદારની જરૂર છે રાજગાદી સંભાળવા માટે, અને આ ચૂનાભઠ્ઠીવાળાને શેર માટીની ખોટ છે માટીમાં રગદોળવા માટે!

મેં એમની ફાઇલ ખોલી. લગ્નને બાર વરસ થવા આવ્યાં હતાં.
મારી પાસે આવતાં પહેલાં સાત-આઠ ડોકટરોના ઉબરા એમણે ટોચી નાખ્યા હતા. રિપોર્ટસ્ વાંચીને હું ઘા ખાઇ ગયો. બંનેના શરીરમાં એક-એક વાતની ખામી એવી મોટી હતી કે ગર્ભધારણની કોઇ શકયતા જ ન હતી, અને નવાઇની વાત એ હતી કે અત્યાર સુધીમાં એક પણ ડોકટરે એમને સાચી હકીકતની જાણ જ કરી ન હતી! કહાં તક નામ ગિનવાયે? સભીને હમકો લૂંટા હૈ- વાળો મામલો હતો.‘કનુભાઇ! કમુબહેન! માફ કરજો, પણ હું તમને ખોટી લાલચ નહીં આપું. તમે હવે સારવાર ન કરાવશો. દવા માટે ખરચેલો દરેક પૈસો ફેંકી દેવા સમાન હશે. સમજી ગયાં?’

કનુભાઇ વેધક નજરે એક ક્ષણ માટે મારી સામે જોઇ રહ્યા.
પછી ધીમા અવાજે બોલ્યા, ‘વગર કહ્યે અત્યાર સુધીમાં હું સમજી તો ગયો જ હતો, આજે તમે…’

પુરુષ હતો ને? એટલે કનુભાઇએ તરત જ સમાધાન સ્વીકારી લીધું, પણ કમુબહેન રડી પડયાં, ‘સાહેબ, અમે તમારી પાસે બહુ મોટી આશા લઇને આવ્યાં હતાં. શું અમારે આખી જિંદગી બાળક વગર જ કાઢવી પડશે?’ ‘મેં એવું કયાં કહ્યું છે? આપણા બગીચામાં ગુલાબ ન ખીલે તેથી શું? બીજાના છોડ પર ખીલેલા ગુલાબને ચૂંટીને આપણી ફૂલદાનીમાં ગોઠવી શકાય કે નહીં? આખરે સવાલ તો આપણું ઘર મહેંકાવવાનો જ છે ને?’

હું બાળકને દત્તક લેવાની સલાહ આપી રહ્યો હતો. એ બંને પણ સારવાર કરાવી-કરાવીને આર્થિક, શારીરિક અને માનસકિ રીતે તૂટી ગયાં હતાં. એમણે મારી સલાહ ચાર હાથે ઝીલી લીધી.

‘એડોપ્શન’ માટેની વિધિ પણ મારે જ કરી આપવી પડી.
અનાથાશ્રમમાં મૂકવા માટેની ફાઇલ શી રીતે તૈયાર કરવી, એમાં કયા-કયા જરૂરી દસ્તાવેજો જોઇશે એ બધું માર્ગદર્શન આપીને મેં એમને વિદાય કર્યાં. એકાદ સંસ્થામાં મારી ઓળખાણ હતી, એનું વજન પણ મેં ભલામણ રૂપે મૂકી આપ્યું.

બે જ મહિના પછી એમને બાળક મળી ગયું. છ માસનો દીકરો હતો. દૂરની એક સંસ્થામાંથી ‘કોલ’ આવ્યો હતો. કનુભાઇ અને કમુબહેન રૂબરૂ જઇને બાળકને લઇ આવ્યાં. પછી મને પેંડાનું બોકસ આપવાના બહાને દીકરાનાં દર્શન પણ કરાવી ગયાં.

થોડી વાર બેઠાં એ દરમિયાન કનુભાઇએ મને પૂછી લીધું,
‘સાહેબ, આ છોકરાની જ્ઞાતિ કઇ હશે? આપણને જાણવા મળે કે નહીં?’

‘ના’ હું અકળાઇ ઊઠયો, ‘અને તમારે એ જાણીને કામ પણ શું છે?’
‘સાહેબની વાત સાચી છે. આપણો છોકરો છે એટલે આપણી ન્યાત એ એની ન્યાત!’ કમુબહેન વધુ સમજદાર નીકળ્યાં, પણ પછી એમની પૃરછા વળી અલગ દિશામાં જ વળી ગઇ,

‘સાહેબ, તમને તો ખબર હશે જ કે આ કોનું બાળક છે!
એની મા કુંવારી હતી કે પરણેલી?
વિધવા હતી કે ત્યકતા?
આ બાળક કોઇના પાપનું ફળ છે કે પછી…?’

‘બાળક કયારેય અનૌરસ નથી હોતું, કમુબહેન! મા-બાપ અનૌરસ હોઇ શકે છે, અને હું તો તમને એક જ સલાહ આપીશ, જો સુખી થવું હોય તો આ દીકરાનું મૂળ અને કુળ જાણવાની કોશિશ કયારેય ન કરશો. તમે તમારી રીતે એને ઉછેરો. એ તમારા સંસ્કાર લઇને મોટો થશે, અને હું પણ નથી જાણતો કે એનાં મા-બાપ કોણ છે! બસ, એટલું કહું છું કે આ બાળક કોઇ બે જણાંની વાસનાનું સંતાન નથી, પણ મજબૂરીનું પરિણામ છે. નહીંતર તમારા ઘરમાં આ બાળક આંટો મારવા માટે પણ ન આવે!’ મેં પૂછપરછ ઉપર પૂર્ણવિરામ મૂકીને એમને વિદાય કર્યાં.

એ પછી દર વરસે એમનો ફોન આવતો રહેતો,
‘આજે મુન્નાની વર્ષગાંઠ છે. આપ સાહેબ અમારા ઘરે ન આવો?’ પણ હું ન જઇ શકયો.
મારી વધુ પડતી વ્યસ્તતાને કારણે હું ઘણાં બધાં કરવા જેવાં કામ નથી કરી શકતો, એમાનું એક આ પણ છે.

પણ આજે અહીંથી પસાર થયા એટલે થયું કે ચાલો, એક પંથ ને દો કાજ. કનુભાઇનું ઘર અહીં જ આવેલું છે, તો મળતા જઇએ. ઘર શોધવામાં જરા પણ તકલીફ ન પડી. માત્ર એક જગ્યાએ પૂછવું પડયું. કનુભાઇ ઘરે જ હતા. પતિ-પત્ની બંને જણાં અમને જોઇને રાજી-રાજી થઇ ગયાં. એમણે કરેલા આતિથ્યની વાત લખવા બેસું તો પાનાંના પાનાં ભરાય, પણ મારો રસ એમના દીકરાને રમાડવામાં વધારે હતો. છ-સાત વરસનો દીકરો સુંદર દેખાતો હતો. ઊચો, ગોરો, પાણીદાર આંખોવાળો. એના ચહેરા ઉપર ગજબની પ્રતિભા ચમકતી હતી.

‘કનુભાઇ, દીકરાને શું બનાવવાની ઇરછા છે?’ મેં વાત-વાતમાં પૂછી લીધું.

કનુભાઇએ અરમાનોનો નકશો રજૂ કરી દીધો, ‘મારે એને ખૂબ ભણાવવો છે, અને પછી એને ચૂનો ધોળવાના કામનો મોટો કંત્રાટી (કોન્ટ્રાકટર) બનાવવો છે. સાહેબ, તમે માનશો? મેં તો અત્યારથી એને વ્હાઇટ-વોશના કામની તાલીમ આપવાનું પણ શરૂ કરી દીધું છે. હું ને એની મા જયાં-જયાં ચૂનો ધોળવા જઇએ છીએ, ત્યાં મુન્નાને પણ સાથે લઇ જઇએ છીએ. પલાળેલા ચૂનાનું ડબલું અને એક કૂચડો એના હાથમાં પકડાવી દઇએ છીએ. જોજો ને સાહેબ, દસ વરસમાં તો એને એવો કારીગર બનાવી દઇશ કે તમેય મોંઢામાં આંગળાં ઘાલી જશો!’

મને મનમાં સહેજ હસવું આવતું હતું, પણ મેં મહાપરાણે ખાળ્યું,
‘અને મુન્નાનું શું? એને આ કામ ગમે છે ખરું?’
મારા આ સવાલ પાછળ એક ચોક્કસ કારણ હતું જે માત્ર હું જ જાણતો હતો.

કનુભાઇનો ચહેરો પડી ગયો, ‘એ જ તકલીફ છે ને, સાહેબ! રામ જાણે શું થયું છે એને, પણ મુન્નાને અમારા કામમાં જરા પણ રસ પડતો નથી. એ કૂચડો પકડીને બેસી રહે છે. કયાંય સુધી ખુલ્લી બારીમાંથી આકાશ સામે, ઝાડ સામે, પંખીઓ સામે જોયા કરે છે, પછી કૂચડામાંથી એકાદ તણખલું તોડીને, એને ડબલામાં બોળીને એ દીવાલ ઉપર ચિતરામણ કર્યા કરે છે. હું એને સમજાવું છું કે બેટા, આમ એક તણખલાથી ભીંત ન ધોળાય, પૂરો કૂચડો ડબલામાં ડુબાડવો પડે, પણ એ સાંભળે તો ને!’ હું ઊભો થઇ ગયો,

‘ચાલો, હવે અમે જઇએ. મોડું થાય છે.’
મુન્નાના હાથમાં થોડાક રૂપિયા મૂકીને અમે નીકળી ગયાં.

ગાડીમાં બેઠા પછી મારી પત્નીએ પૂછ્યું,
‘વ્હોટ ઇઝ ધી મેટર? તમારા વર્તનમાં અચાનક…?’

‘તને ખબર પડી ગઇ?’

‘પત્ની છું ને!’ એ હસી. હું પણ હસ્યો,

‘ગજબ છે કુદરત પણ! તને ખબર છે? આ બાળકનો પિતા એક ખ્યાતનામ ચિત્રકાર છે. એની પાસે પેઇન્ટિંગની કળા શીખવા માટે આવતી એક રૂપાળી યુવતી સાથે એને પ્રેમ થઇ ગયો. બંને વચ્ચે ઉમરનો તફાવત ‘નિ:શબ્દ’ના અમિતાભ અને જિયા જેટલો હતો. લગ્ન શકય નહોતું. પ્રેમ, સ્ખલન, બાળક અને પછી…!

પણ મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે એક જિનિયસ ચિત્રકારની કલા વારસામાં લઇને જન્મેલું આ બાળક મોટું થઇને શું બનશે, ચૂનાવાળો કે ચિત્રકાર?

પીંછીને બદલે કૂચડા ઉપર આવતાં એના ‘જીન્સ’ ઉપર શું-શું વીતે? કનુ કડિયો ગમે એટલું મથશે, તો પણ એનો મુન્નો સારો કારીગર નથી બનવાનો, પણ જો એ મારું માનશે અને એને ફાઇન આર્ટસમાં મોકલશે, તો વીસ વર્ષ પછી આ છોકરો મોટા-મોટા મહારથીઓનો માથાં ભાંગશે એ વાતમાં મને સહેજ પણ શંકા નથી. એનો ઉછેર જીતશે, તો એ ખરાબ કારીગર બનશે, પણ જો એના સંસ્કાર જીતશે તો એ એક બહેતરીન કલાકાર બનશે.

લેટઅસ સી, શું થાય છે…?’

(સત્યઘટના)

Categories: અવર્ગીકૃત

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ…

સપ્ટેમ્બર 23, 2008 Leave a comment

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

અમદાવાદી નગરી
એની ફરતે કોટે કાંગરી
માણેકલાલની મઢી
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

સીદી સૈયદની જાળી
ગુલઝારી જોવા હાલી
કાંકરિયાનું પાણી
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

ત્રણ દરવાજા માંહી
માં બિરાજે ભદ્રકાળી
માડીના મંદિરીયે
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

તારે રે દરબાર…

સપ્ટેમ્બર 5, 2008 1 comment

તારે રે દરબાર મેઘારાણા!
કોણ રે છેડે ઓલા ગેબી વીણાના તાર?

વીજ નાચે એનું નવલું રે નર્તન, રૂપરૂપનો અંબાર;
વાદળીઓના રમ્ય તારે ઝાંઝરનો ઝણકાર!…
તારે રે દરબાર!

સાગરસીમાડે કો’ ગાતું રાગ મેઘ મલ્હાર;
પૂછે પ્રકૃતિ કઈ દિશામાં સંતાડ્યા શૃંગાર? શ્રાવણના શૃંગાર!…
તારે રે દરબાર!

શિવાજીનું હાલરડું..

ઓગસ્ટ 23, 2008 Leave a comment

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે

બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

પ્હેરી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.

અઢી અક્ષરનું ચોમાસુ…

ઓગસ્ટ 5, 2008 1 comment

અઢી અક્ષરનું ચોમાસું, અને બે અક્ષરનાં અમે
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો તમે…

‘સા’બ, આ ગઇ વો જગહ.’
ડ્રાઇવર હુકમસિંહે જીપ ધીમી પાડી અને પછી જમણી બાજુએ આવેલા વિશાળ પીપળાના થડ આગળની ખુલ્લી જમીનમાં ઊભી રાખી દીધી. પી.એસ.આઇ. જગત જૉષી ઠેકડો મારીને જીપમાંથી નીચે ઉતર્યા, પછી ખબર પડી કે નીચે કાદવ જ કાદવ હતો.

થોડીવાર પહેલાં જ પડી ગયેલા જોરદાર વરસાદે સકળ સૃષ્ટિને જળ-તરબોળ કરી નાખી હતી. હવામાં ઠંડી ભીનાશ હતી અને વાતાવરણમાં રોમાન્સ હતો. જગત જુવાન હતો, રોમેન્ટિક હતો અને હજુ સુધી કુંવારો હતો. આવી વરસાદી સાંજે ગમતાં કામો પડતાં મૂકીને આવી અણગમતી ફરજ બજાવવા આવા નિર્જન સ્થળે આવવું પડયું એ વાતની ફરિયાદ એના ચહેરા પર ઉપર પસી આવી. એ સાથે જ એના મોંમાંથી શબ્દો સરી પડયા,

‘વાહ! જગ્યા છે તો બહુ સુંદર! ફરવા આવવાનું મન થાય તેવી.
સમજાતું નથી લોકો અહીં મરવા શા માટે આવતા હશે!’

સ્થળ ખરેખર મજાનું હતું.
પીપળાના વૃક્ષથી આશરે પચીસેક ડગલાં દૂર પ્રાચીન શિવાલય હતું.
એની બાજુમાં એક સાવ નાનકડી મઢૂલી હતી. મઢૂલીની આગળની ખુલ્લી જગ્યામાં એક પહાડકાય બાવાજી બેઠેલા હતા અને આગના ધૂણા સામે બેસીને ઘ્યાન ધરી રહ્યા હતા.

‘મંદિર કા મહંત હૈ, સા’બ’
હુકમસિંહને જગતસાહેબનું દિમાગ વાંચી શકવાની ફાવટ હતી. કેટલીક માહિતી એ વગર પૂછ્યે જ આપી દેતો હતો. જગતની સાથે બે હવાલદારો પણ હતા. બંને જણાં ખાઇ બદેલા હતા. ‘કામ એટલે કંટાળો’ એ એમનો જીવનમંત્ર હતો.

કમિશનર સાહેબે તો જો કે બડા નાલા પોલીસ સ્ટેશનના પૂરા સ્ટાફની ધૂળ કાઢી નાખી હતી. ખુદ પી.આઇ.રાઠોડને ધમકાવી નાખ્યા હતા, ‘રાઠોડ! આ શું ચાલી રહ્યું છે તમારા ઇલાકામાં? માત્ર આપણા શહેરમાં જ નહીં, પણ પૂરા રાજયમાં સૌથી ઊંચો ક્રાઇમરેટ તમારા પોલીસ સ્ટેશનનો બોલે છે.’

‘સર, ક્રાઇમરેટ તો સાવ ઓછો છે. ખૂન, રેપ, ચોરી કે મારામારીના કેસો.’ રાઠોડ ખુલાસો કરવા ગયો, પણ સલવાઇ ગયો.
‘વ્હોટ નોનસેન્સ?! તમારે મન આ ચાર જ ગુનાઓ છે? વ્હોટ એબાઉટ સ્યૂસાઇડ! આપઘાતની બાબતમાં તમે રાજયભરમાં મોખરે છો એનું શું? એમાંય છેલ્લા છ મહિનામાં તો તમે નવા વિક્રમો સર્જી ચૂકયા છો. માણસો વરસાદી જીવડાંની જેમ ટપોટપ મરી રહ્યા છે. કંઇક કરો… અર્જન્ટલી! નહીંતર મારે પણ તમને…’ ગર્ભિત ધમકી અને સ્પષ્ટ ગાળો ઉરચારીને કમિશનર ચાલ્યા ગયા.

એમના ગયા પછી એ જ ગાળો પી.આઇ.રાઠોડે પી.એસ.આઇ. જગતના કાનમાં ટ્રાન્સફર કરી દીધી..
‘જગત, મારે રિપોર્ટ જોઇએ. તાત્કાલિક! સર્વે કરો, સર્ચ કરો, રિસર્ચ કરો અને આજ સાંજ સુધીમાં એ જાણી લાવો કે આપણા વિસ્તારમાં એવાં કયાં કારણો છે કે લોકો આટલી મોટી સંખ્યામાં આત્મહત્યા કરે છે! ’

સાંજ સુધીમાં પી.એસ.આઇ. જગત જોષીનો રિપોર્ટ ઇન્સ્પે.રાઠોડના ટેબલ ઉપર હતો:
આપઘાત માટેનાં કારણો માટે આપણો વિસ્તાર જવાબદાર નથી. કારણો સામાજિક છે, પણ જગ્યા ભૌગોલિક છે. આખા શહેરના હતાશ નાગરિકો મરવા માટે એક જ સ્થળ પસંદ કરે છે. આપણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલું છેક છેવાડાનું જૂનું શિવાલય અને એની પાછળ આવેલો અવાવરો, ડો ભમ્મરિયો કૂવો. એ કૂવામાં પડેલો માણસ કયારેય જીવતો બહાર નીકળતો નથી. જે લોકોને આપઘાતમાં નિષ્ફળ નથી જવું એમના માટે પહેલી પસંદ ભમ્મરિયો કૂવો છે.

રિપોર્ટ વાંચીને રાઠોડ તાડૂકયો..
‘એ કૂવાને આપણા ઇલાકામાંથી હટાવીને બીજે લઇ જાવ!’
‘એ ન બને. આ કૂવો છે, પોલીસતપાસનો રિપોર્ટ નથી જેને બદલી શકાય.’
‘તો એને પૂરી દો! ન રહેગા બાંસ, નહીં બજેગી બાંસુરી.’

‘એ માટે મારે જાતે જઇને બધું જોવું પડશે, તપાસવું પડશે, કદાચ કૂવો પૂરવા સિવાયના બીજા સરળ રસ્તાઓ પણ જડી આવે.’ સબ-ઇન્સ્પેકટર જગત જોષીની વાત ઇન્સ્પે.રાઠોડના ખાલી ભેજામાં આસાનીથી ઊતરી ગઇ. એણે એ જ ક્ષણે હુકમ ફરમાવી દીધો, ‘હુકમસિંહ, જગત સા’બકો ભમ્મરિયે કૂવે પે લે જાવ. સાથ મેં દો હવાલદાર કો ભી. આજ ઔર અભી…’

સબ ઇન્સ્પેકટર જગતે શિવાલયમાં જઇને મહાદેવનાં દર્શન કર્યા. પછી પાછળના ભાગમાં આવેલા ભેંકાર ભમ્મરિયા કૂવાનું નિરીક્ષણ કર્યું. પછી બાવાજી પાસે ગયા, ‘બાપજી, યહાં રાતભર ઠહરને કી જગહ મિલેગી?’

‘સમઝ ગયા. કૂવે પે વૉચ રખની હૈ ના? કોઇ બાત નહીં. યહાં મેરી કુટિયા કે પીછે ચાર-પાંચ કમરે હૈ. ખાલી પડે હૈ. મૈં જરા સાફ-સફાઇ કરવા દેતા હૂં.’ કહીને બાપજીએ હાક મારી. એક ચેલો દોડી આવ્યો. હુકમસિંહ જીપ લઇને પાછો શહેરમાં ગયો, ચાર જણાના ટિફિન લઇને પાછો આવ્યો. જગત જોષી હવાલદારોને સાથે બેસાડીને રાત્રિચર્યા વિશે મંત્રણા કરવા બેઠા, ‘દસ વાગ્યા સુધી તો આપણે બધા જાગતા જ હોઇશું. ખરો ખેલ એ પછી શરૂ થશે. જો કોઇ આપઘાત કરવા માટે આજે આવવાનું હશે, તો મોટા ભાગે દસથી સવારના સાતની વરચેના સમયમાં જ આવશે. આપણે એક કામ કરીએ, ચારેય જણાં વારાફરતી બબ્બે-અઢી કલાક વહેંચી લઇએ. આજે નહીં તો આવતી કાલે, પરમ દિવસે અને નહીંતર ગમે ત્યારે પાંચ-સાત દિવસમાં એકાદ જણ તો ભમ્મરિયા કૂવાની મુલાકાતે આવશે જ.’

‘પછી આપણે શું કરવાનું? એને મારવાનો?’ હવાલદાર જાલીમસિંગે દંડો સંભાળ્યો.

‘ના, મરવા સારુ તો એ આવ્યો હોય. આપણે એને જિવાડવાનો છે. જો આ કામમાં આપણને સફળતા મળશે, તો પછી અહીં આપણે કાયમી ‘વોચ’ ગોઠવી દઇશું. એક વાર લોકોમાં વાત ફેલાઇ જશે કે ભમ્મરિયો કૂવો હવે વેરાન નથી રહ્યો, એટલે એ લોકો અહીં મરવા માટે આવવાનું બંધ કરી દેશે. જવું હોય તો બીજે ઠેકાણે ભલે જાય, પણ આપણી જાન તો છૂટે!’ પી.એસ.આઇ. જગતે વિગતે બધું સમજાવીને પછી દરેકની ડયૂટીના કલાકો વહેંચી આપ્યા. સૌથી કપરો સમય રાત્રિના બેથી સાડા ચાર સુધીનો હતો એ એણે પોતે પસંદ કર્યો. હવાલદારોની કાબેલિયત ઉપર એને ભરોસો ન હતો.

હવાલદાર યુસુફખાન બાર વાગે ઢળી પડયો અને જાલીમસિંહ બે વાગે. હવે વારો પી.એસ.આઇ.જગતનો હતો. જગત જોષીએ બાવાજીની મઢૂલીની પાછળ આવેલા શીમળાના ઝાડ નીચે મોરચો સંભાળ્યો. અહીંથી એક આંખ ભમ્મરિયા કૂવા પર રાખી શકાતી હતી અને બીજી આંખ સામેથી આવતી કેડી ઉપર. એક કલાક તો એમ જ પસાર થઇ ગયો, પણ જયાં ત્રણ વાગવા આવ્યા, ત્યાં જગતના કાને પાંદડાં કચડાવાનો અવાજ સંભળાયો. એણે આંખો ઝીણી કરીને નજરને દૂર સુધી ફેંકી, તો એ ટટ્ટાર થઇ ગયો. સામેથી એક માનવ આકાર શિવાલયની દિશામાં આવી રહ્યો હતો.

પીપળાના ઝાડ ઉપર બેઠેલી ચીબરીએ ચિત્કાર કર્યો. બે-ચાર પંખીઓએ પાંખો ફફડાવી. થોડાંક પાન ખર્યા. માનવ આકાર નજીક આવ્યો, પછી સાવ નજીક. જગતે જોયું કે આગંતુક એક સ્ત્રી હતી. જુવાન સ્ત્રી. એણે પહેરેલાં સલવાર-કમીઝ પણ એ હવે કળી શકતો હતો. એણે ચહેરા ઉપર દુપટ્ટો વીંટાળેલો હતો. હવે એ જગતની લગોલગ થઇને પસાર થઇ રહી હતી. જગત એનો ઇરાદો સૂંઘી શકયો, યુવતીની મંજિલ ભમ્મરિયો કૂવો હતી.

‘હોલ્ટ પ્લીઝ!’ જગતે હળવી બૂમ પાડી.
એ સાથે જ એ ઝાડના થડ પાછળથી કૂદીને બહાર આવ્યો.
હવે એ બરાબર યુવતીની સામે ઊભો હતો, ‘તમે જે હોય તે… પણ તમે આગળ નહીં જઇ શકો. હું તમને મરવા નહીં દઉં.’ યુવતી પહેલાં તો એને જોઇને થથરી ગઇ, પણ પછી એ ભૂત નહીં, પણ માણસ છે એવું જાણ્યા પછી એ ચિલ્લાઇ ઊઠી, ‘મને રોકનાર તમે કોણ? આઇ વોન્ટ ટુ ડાઇ. પ્લીઝ, તમે હટી જાવ. મને મરવા દો.’

‘સોરી, આઇ એમ એ પુલીસમેન ઓન ડયૂટી. હું ધારું તો તમને એરેસ્ટ કરી શકું છું. શું હું એ જાણી શકું કે આપઘાત માટે તમારી પાસે કારણ શું છે?’

‘પ્રેમમાં બેવફાઇ.’ યુવતીનો અવાજ ધ્રૂજયો,
‘હું એક ખૂબસૂરત યુવતી છું. કોલેજમાં ભણતી હતી, ત્યારે જ એક લંપટ પુરુષે મને એની પ્રપંચજાળમાં ફસાવી લીધી. મર્યાદાની તમામ પાળો તોડી નાખ્યા પછી આજે ત્રણ વર્ષ બાદ મારો પ્રેમી લગ્ન કરવાની સાફ ના પાડી રહ્યો છે. હવે હું શું મોં લઇને આ જગતમાં જીવું? મને મરી જવા દો, પ્લીઝ!’

‘આ જગતમાં જયાં સુધી પી.એસ.આઇ. જગત જીવે છે, ત્યાં સુધી તું મરી નહીં શકે. હું તારો અવાજ ઓળખી ગયો છું, જન્નત! તું જન્નત જોષીપુરા જ છે ને? તારી સાથે ભણતો જગત જોષી તને કેટલું ચાહતો હતો એની તને કયાં ખબર હતી, જન્નત? તું તો એ વખતે મૃગજળના પ્રેમમાં આંખે પાટા બાંધીને ફરતી હતી. આવ, હવે તને સમજાવું કે માવઠું કોને કહેવાય અને મુશળધાર કોને કહેવાય! ના ન પાડીશ, જન્નત! મારો હાથ પકડી લે!’ જગતે હાથ લંબાવ્યો, જન્નતે ઝાલી લીધો. બરાબર એ જ સમયે ગોરંભાયેલું આભ તૂટી પડયું. આસમાન પણ એ વાતે ખુશ હતું કે પૃથ્વી પરના ક્રાઇમરેટમાં એકનો ઘટાડો થયો છે.

જોઇ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી!

જુલાઇ 14, 2008 Leave a comment

કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ?
જોઇ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી !

હું તને મારો ગણીને બંદગી કરતો રહું.
ને ખુદા, તું એમ વરતે છે, કે કંઇ સગપણ નથી ?

જાન આપો કે ન આપો, આંચકીને લઇ જશે,
આવશે હકદાર થઇને, મોત કંઇ માગણ નથી !

અલ્પ જીવનમાં બધીયે કેમ સંતોષી શકાય ?
બહુ તમન્નાઓ છે દિલમાં, એક બે કે ત્રણ નથી !

મધ્યદરિયે ડૂબવામાં એ જ તો સંતોષ છે,
આ તમાશો દેખવા માનવનો મહેરામણ નથી.

હાલ તું આવા અધૂરા માનવી સરજે છે કાં ?
વિશ્વકર્મા ! તારું પણ પહેલાં સમું ધોરણ નથી.

ફાવશે ક્યાં ક્યાં હરીફોની હરીફાઇ, ‘અમીર’ ?
મારી સમૃધ્ધિનાં કાંઇ એક-બે કારણ નથી !

– દેવદાસ ‘અમીર’