ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઊઘડે
કૂંચી ફરે, તાળાં ખૂલે ને શબ્દનું ઘર ઊઘડે.
પહેલી પ્રથમ આંખો ફૂટી હો એમ અંતર ઊઘડે
કમલ જ નહીં આખું સ્વયં જાણે સરોવર ઊઘડે.
આ શ્વાસ ને ઉચ્છવાસ સાથે કોણ મંથર ઊઘડે
જન્મજન્માંતર બધા આ થર પછી થર ઊઘડે.
રેલાય કેવળ એકઘારો સ્વર મધુર આરંભનો
કોની પુરાતન ઝંખના આ દ્વાર જાજર ઊઘડે.
ઊભો સમય સ્થિર આંખમાં થંભી ગઈ સૌ પરકમા
હું ઊઘડું અંબર ઉપર સામે ચરાચર ઊઘડે.
ખંડેરના એકાંતને પણ એક જણ મળતું રહ્યું,
તે એક સાથે બીજી પળને કોક સાંકળતું રહ્યું.
ઊંચાઈઓને આંબવાનું ચંદ્ર તો બ્હાનું હશે,
ના વ્યર્થ કૈં સાગર તણું ઊંડાણ ખળભળતું રહ્યું !
આ જિંદગીની ચાર ક્ષણનું ગીત તો પૂરું થયું;
મુજ શૂન્યતા ગાતી રહી તુજ મૌન સાંભળતું રહ્યું.
ઊગ્યા કર્યું સ્વપ્નોનું લીલું ઘાસ કબરો પર અને
આકાશની આંખો થકી મુજ દર્દ ઓગળતું રહ્યું.
આ વન્ય કેડીઓ સમય ગાતો રહ્યો, ગાતો રહ્યો,
ને તે ક્ષિતિજની રેખ પર કોનું વદન ઢળતું રહ્યું !
‘ના કોઈની યે વાટ….’ કહી જેણે ક્ષિતિજ તાક્યા કર્યું,
છેવટ સુધી એ આંખમાં આકાશ ટળવળતું રહ્યું.
હું તો સમયની જ્યમ બધુંયે ભૂલવા મથતો ગયો,
યુગ-અંતનું ખાલીપણું મુજ રક્તમાં ભળતું રહ્યું.
- શ્રી રાજેન્દ્ર શુક્લ