Archive

Archive for the ‘શ્રી મુકુલ ચોક્સી’ Category

પ્રેમ એટલે કે…

પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો
સ્વપ્નમાં પળાય એવો કાયદો
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં
ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો !

ક્યારે ય નહીં માણી હોય એવી કોઈ મોસમનો
કલરવ યાદ આવે, એ પ્રેમ છે
દાઢી કરતાં જો લોહી નીકળે, ને ત્યાં જ કોઈ
પાલવ યાદ આવે, એ પ્રેમ છે
પ્રેમ એટલે કે સાવ ઘરનો એક ઓરડો,
ને તોયે આખા ઘરથી અલાયદો…

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે
એક છોકરી, ને તે ય શ્યામવરણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
મને મૂકી, આકાશને તું પરણી
પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાને હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો !

- મુકુલ ચોકસી

એક આખી જિંદગીનો છે એમાં અભાવ…

એક આખી જિંદગીનો છે એમાં અભાવ દોસ્ત,
આ ખાલી જામનું ય વજન છે ઉઠાવ દોસ્ત.

જીરવી શકશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત,
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.

દરિયામાં મોજાં આવે, બધે આવતાં નથી,
અમથી જ રાહ જોયા કરે છે તળાવ દોસ્ત.

દરિયા-પહાડ-આભમાં જો ના સમાય તો,
નાની ચબરખીઓમાં પ્રણયને સમાવ દોસ્ત.

તાજા કલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત.

એક બાસઠ વરસના ડોસાએ આંખ ભીની કરી લૂછી નાખી…

એની વાંચી છે ડાયરી આખી,
પુત્રથી વાત ગુપ્ત એ રાખી,
એક બાસઠ વરસના ડોસાએ
આંખ ભીની કરી લૂછી નાખી.

- મુકુલ ચોકસી

Follow

Get every new post delivered to your Inbox.