વાતે વાતે તને વાંકું પડયું…
February 5, 2006
Leave a comment
વાતે વાતે તને વાંકું પડયું :
ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.
શબ્દોને પંથ કોણ કોને નડયું ?
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.
આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા :
પણ અડકો તો ભોમ સાવ કોરી :
તારા તે કાન લગી આવી ઢોળાઇ ગઇ
હોઠ સમી અમરત કટોરી.
પંખીની પાંખમહીં પીંછુ રડયું :
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.
હવે ખળખળતાં ટળટળતાં અંધાર્યા જળ
કે અણધાર્યો તૂટી પડયો સેતુ :
પાસે રહીને મને લાગે છે કેમ હવે
કેટલાય જનમોનું છેટું !
મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડયું :
ને મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.
Categories: ! ગીત, 9x.ગુજરાતી, શ્રી જગદીશ જોશી, શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય