Archive

Archive for the ‘શબ્દોના શિલ્પી’ Category

શ્રી આદિલ મન્સૂરીનું નિધન..

shri-adil-mansuri-vali-award-function

આજે સવારે ૭:૦૫ વાગ્યે ગુજરાતી ગઝલના અગ્રણી – આદરણીય ગઝલકાર શ્રી આદિલ મન્સૂરી સાહેબનું અમેરિકામાં ન્યુજર્સી ખાતે ૭૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે…

પ્રભુ એમના આત્માને શાશ્વત સુખ અને ચિર શાંતિ આપે એ પ્રાર્થના સહ અશ્રુભીની શ્રદ્ધાંજલી…

- રક્ષિત શાહ

શ્રી આદિલ મન્સૂરી સાહેબની યાદમાં..

શ્રી આદિલ મન્સૂરી સાહેબની યાદમાં
એમની આ અવિસ્મરણીય રચના ફરી એક વાર..

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

ધૂણી રે ધખાવી બેલી…

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની
ધૂણી રે ધખાવી બેલી…

કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની
ધૂણી રે ધખાવી બેલી…

કહું છું જવાનીને…

કહું છું જવાનીને, પાછી વળી જા
કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે
મનને ન ગમતું ઘડપણનું ડહાપણ
પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે

મનની સ્થિતિ હમેશા આશિક રહી છે
કાલે જ મેં કોઇને માશુક કહી છે
ફરી પાછા મળશું પાગલ થવાને
હમણા તો ડહાપણ ભઇ સતાવી રહ્યું છે

મુહોબ્બત તો મારો હક છે જનમનો
સાકી હતો ને રહ્યો છું સનમનો
ઘડપણને કહું છું કે માફી દઇ દે
મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં…

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં

Follow

Get every new post delivered to your Inbox.