Archive

Archive for the ‘શ્રી પાર્થિવ ગોહિલ’ Category

તમોને પ્રેમ કરું છું હું..

કહી દો અમોને તમે, વારંવાર…. વારંવાર…
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..

ગુંજન કરો કાનોમાં, વારંવાર…. વારંવાર….
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..

કોરા નથી કાગળ, છુપ્યા છે ફૂલ પ્રણયના ત્યાં
શબનમ બનીને લખો, વારંવાર…. વારંવાર….
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..

સરિતા અને સાગર, બંધન છતાં સ્પંદન
સંગમ અધરનો કહે, વારંવાર…. વારંવાર….
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..

મૌન તણાં મંદિરમાં, અંતર તણો અજવાસ
ધડકન ધડકતી કહે, વારંવાર…. વારંવાર….
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..

કહી દો અમોને તમે, વારંવાર…. વારંવાર…
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..

એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે..

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

મારી આ મજબૂર મસ્તીનો નશો ઊતરી ગયો,
આપ પણ એવું કહો છો કે મને આરામ છે !

કોણ જાણે કેમ સાંભળતાં જ દિલ દુખતું હશે !
આમ હું માનું છું તારું નામ પ્યારું નામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

- ‘મરીઝ’

માંડવાની જૂઈ !

November 5, 2007 1 comment

અમથી અમથી મૂઈ ! ઓલ્યા માંડવાની જૂઈ !

કંપી કંપીને એ જીવન જીવી ગઈ
ઝંખી ઝંખીને એ તરસી રે ગઈ
ધૂપછાંવની ગોરી તોયે ધૂપથી ડરી ગઈ

એની કાયામાં સુવાસ, જોબન શમાણાનો ઝંકાર
સનમ ક્ષણની બની ગઈ અને અમથી ખરી ગઈ !

કે આવ્યો ઊડીને પવન, જૂઈનું જોયું રે કફન
ચૂમી લીધું રે ચરણ, જૂઈનું કીધું એ હરણ
એને ઝાકળમાં નવડાવી, એને ઘૂળમાં પોઢાડી
સૂરજ આગમાં સળગાવી, એની માનીતી જૂઈ !

મારી આંખોમાં તું વહેલી સવાર સમું પડતી…

મારી આંખોમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે?

મારી આંખોમાં તું…

ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘુમી ઘુમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?

સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?

મારી આંખોમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…

Follow

Get every new post delivered to your Inbox.