Archive

Archive for the ‘શ્રી આશા ભોંસલે’ Category

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ…

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

અમદાવાદી નગરી
એની ફરતે કોટે કાંગરી
માણેકલાલની મઢી
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

સીદી સૈયદની જાળી
ગુલઝારી જોવા હાલી
કાંકરિયાનું પાણી
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

ત્રણ દરવાજા માંહી
માં બિરાજે ભદ્રકાળી
માડીના મંદિરીયે
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

એક પાટણ શહેરની નાર પદમણી…

એક પાટણ શહેરની નાર પદમણી,
આંખ નચાવતી ડાબી ને જમણી,
સૂરત જાણે ચંદા પૂનમની, બીચ બજારે જાય..
ભાતીગળ ચૂંદલડી લહેરાય,
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય..

એક વાગડ દેશનો બંકો જુવાનીયો,
રંગ જાણે એનો લાલ ફાગણીયો,
કંઠે ગરજતો જાણે શ્રાવણિયો, સાવજડો વર્તાય,
નજર્યુંમાં આવી એવો નજરાય,
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય..

રંગમાં નખરો, ઢંગમાં નખરો,
રૂપ એવું અંગ અંગમાં નખરો;
પાતળી કેડને ભાર જોબનનો જીરવ્યો ના જીરવાય,
ભાતીગળ ચૂંદલડી લહેરાય,
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય..

બંકડી મૂછો અરે બંકડી પાઘડી,
રંગ કસુંબલ ભરી આંખલડી,
હાલક ડોલક ડુંગરે ચડે પડ છો ના પરખાય,
નજર્યુંમાં આવી એવો નજરાય,
દલડું ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય..

એક પાટણ શહેરની નાર પદમણી,
આંખ નચાવતી ડાબી ને જમણી,
સૂરત જાણે ચંદા પૂનમની, બીચ બજારે જાય..
ભાતીગળ ચૂંદલડી લહેરાય,
ઝાંઝરીયું ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય..

મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો…

રામ રામ રામ …
દયાના સાગર થઇ ને, કૃપા રે નીધાન થઇ ને
છો ને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદન થી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

કાચા રે કાન તમે ક્યાં ના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજી એ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચમા નીરાધાર નારી તો’યે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમા કર્યું શું પરાક્રમ
અમથો વિજય નો લૂટ્યો લ્હાવો

મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.

ઘાયલને શું થાય છે ? પૂછો તો ખરા….

ઘાયલને શું થાય છે ? પૂછો તો ખરા
આંખ મિલાવી આંખ કાં શરમાઇ છે? પૂછો તો ખરા

પ્રેમનો અંજામ પણ આવો હશે, ના હતી ખબર
દિલ દઇ દિલદાર પણ છોડી જશે, ના હતી ખબર
આંખે આવી શમણાં ક્યાં વિખરાય છે? પૂછો તો ખરા

દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું?
આંઘીમાં અટવાયો હુ મજબૂર છું, કોને કહું?
ભૂલ નથી પણ સજા મને કાં થાય છે? પૂછો તો ખરા

મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી’તી
આશાના દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી’તી
એ અણમોલા ફૂલો કાં કરમાય છે ? પૂછો તો ખરા

છાનું રે છપનું કંઇ થાય નહિં…

છાનું રે છપનું કંઇ થાય નહિં
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિં
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નહિં
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નહિં

આંખ્યો બચાવી ને આંખના રતનને
પરદામાં રાખીને સાસુ નણંદને
ચંપાતા ચરણો એ મળ્યુ મળાય નહિં
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિં

નણદી ને નેપૂર બે એવા અનાડી
વ્હાલા પણ વેરી થઇ ખાય મારી ચાડી
આવેલા સપનાનો લ્હાવો લેવાય નહિં
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિં

Follow

Get every new post delivered to your Inbox.