હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત
ચંદ્રમાનું ચંદન અને સૂરજનું કંકુ
આસમાની ઓઢણીમાં ટપકીયાળી ભાત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત
કે નભના તારલિયા તારી આરતી ઉતારે
ને સમીરની શરણાઇ ગાઇ તુજને સત્કારે
આજે માવડીના મિલને જાગ્યું આ વિરાટ
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત
હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત
લીલમ પીળું પટોળું ને લીલમ પીળી ચોળી,
ટીપ્પણી ટીપવા ભેળી થઇ સે સોરીઓની ટોળી;
દાંડી પડે ને ઢોલ બોલે સે…
હે ઢોલ બોલે સે ને કાયા ડોલે સે…
દાંડી…
મોટા મોટા માનવીઓની મહેલાતોની વાત સે,
ભાંગના ભજિયાં માથે કાળી ઘમ્મર રાત સે;
હે જોબનાઇનો મેળો જામ્યો ઝૂમે ઝૂમે જાત સે
અંગે અંગે મદ નીતરતો તન-મનિયાનો ઘાટ સે;
કામ કરો સૌ ભેળા થઇને સાકર દૂધ ઝબોળી,
ટીપ્પણી ટીપવા ભેળી થઇ સે સોરીઓની ટોળી;
દાંડી…
- લીલમ…
ટીપ્પણીઓના તાલે બોલે શરણાઇના સૂરસે,
ચિત્ત ચડ્યું સે ચગડોળે ને મસ્તીથી ચકચૂર સે;
ટીપ્પણી ટીપતાં રણકે કંકણ એના સૂર મધુર સે,
અંગે ઝરતાં પરસેવાનાં મોતીડાં ભરપૂર સે;
ઝૂકી ઝૂકી તાલ ચૂકાવે રંગે વરણો ઢોલી,
ટીપ્પણી ટીપવા ભેળી થઇ સે સોરીઓની ટોળી;
દાંડી…
- લીલમ…
વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ
રાધાકૃષ્ણ રમે રાસ ગોપી લૈ લૈ લૈ
બીજું કૈં નહીં કૈં નહીં… વૃંદાવનમાં…
નૂપુરચરણ કનકવરણ ઝાંઝર જોડો
ઘુંઘરીયાળો કટી ઓપે કંદોરો
મોરમુકુટ મણી વાંકડો અંબોડો
કુંડલકાન, ભ્રુકુટી તાન, નૈનબાણ કંપમાન
તાળી લૈ લૈ લૈ… વૃંદાવનમાં…
વાગે તાલ ને કરતાલ સંગ તાળી
કોઇ તંબુરો ને કોઇ મૃદંગવાળી
મદનગાન મુખ્ય ગાયે વનમાળી
બોલે બૈન, સુધા સૈન, મોહન નૈન, પ્રગટ ચૈન
હ્રદય દૈ દૈ દૈ… વૃંદાવનમાં…
મુકુટમાંહી રૂપ દીઠું રાધાએ
મનમાં માનિની વિમાસણ થાયે
હુંથી છાની બીજા છે મુકુટ માંહે
બહુ વ્હાલી, હઠ ઝાલી, ઊઠી ચાલી
દયા પ્રભુ જય જય જય… વૃંદાવનમાં…